Wednesday, January 4, 2012

બિનસાંપ્રદાયિકતાની હાંસી ઊડાડતું અનામતનું રાજકારણ

બિનસાંપ્રદાયિકતાની હાંસી ઊડાડતું અનામતનું રાજકારણ


આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને પછાતનું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને.
દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. આમ છતાં પછાત વર્ગના મુસ્લિમોને સમાજના અન્ય વર્ગથી છૂટી પાડતી અનામતની સાંપ્રદાયિક સિસ્ટમ સામે કોંગ્રેસને કેમ કોઇ વાંધો કે વિરોધ નથી?
ભારતમાં વિવિધ નાત-જાતના અને ધર્મ-સંપ્રદાયના લોકો વસે છે, જેમની વચ્ચે આપસી ભેદભાવની લાગણી દુભાયા વગર શાંતિ જળવાયેલી રહે એ જોવાનું કામ સરકારનું છે. અનામતઅને લઘુમતી કોમજેવાં શબ્દો વડે જો કે સરકારે કોમી ભેદભાવ એટલી હદે સર્જ્યો છે કે ભારત માટે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રશબ્દ હવે અનફિટ ઠરે છે. બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાને અવગણી જ્યારે રાજકારણમાં ધર્મ અને જાતિવાદ ભળે ત્યારે શું બને તેનો એક દાખલો ભારતના ભાગલાનો છે.
વીસમી સદીના આરંભે કેટલાક મુસ્લિમ આગેવાનોને હિન્દુ બહુમતી ધરાવતા ભારતમાં પોતાની કોમનું ભાવિ જરા ધૂંધળું દેખાવા લાગ્યું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સામે ૧૯૦૬માં તેમણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગ નામનો અલગ પક્ષ રચ્યો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ મુસ્લિમોને તેમનાં રાજકીય હક્કો આપવાનો, તેમને શિક્ષણ આપવાનો તેમજ ધર્મના નામે ચાલતી હિંસાખોરીનો સખત વિરોધ કરવાનો હતો. આ દરેક કામ શી રીતે કરવું તેનો ગ્રીન બૂકકહેવાતો મુસદ્દો મુસ્લિમ લીગે ઘડી કાઢ્યો હતો. અલબત્ત, ‘ગ્રીન બૂકનો મુસદ્દો લાંબે ગાળે કાગળ પર જ રહી ગયો, કેમ કે અંગ્રેજો ભારતમાં વર્ષો થયે જાતિવાદનું અને કોમવાદનું ગંદું રાજકારણ તેમની divide and rule નીતિ વડે રમી રહ્યા હતાઅને તેના નતીજારૂપે હિન્દુ-મુસ્લિમો વચ્ચે અંતર સખત વધ્યું હતું. છેવટે ૧૯૩૦માં મુસ્લિમ લીગના મુહમ્મદ ઇકબાલે પહેલી વાર Two Nation Theory રજૂ કરીને દેશભરમાં હળવો ભૂકંપ સર્જ્યો. આ થિઅરી મુજબ હિન્દુ-મુસ્લિમો એક જ દેશમાં એકસાથે રહી શકે તેમ ન હતા, માટે મુસ્લિમોએ પોતાનું અલાયદું રાષ્ટ્ર સ્થાપવું જરૂરી હતું. મુસ્લિમ લીગની Two Nation Theory ને ૧૯૪૦માં મહમદ અલી ઝીણાએ ક્રાંતિનું સ્વરૂપ આપ્યું અને અંતે દેશના ભાગલા પડાવીને જંપ્યા. ધર્મના તેમજ જાતિવાદના નામે તેમણે પાકિસ્તાન નામના રાષ્ટ્રનું સર્જન કર્યું.
આ તરફ ભારત માટે તો ભાગલા પછીયે સ્થિતિ લગીરે ન બદલાઇ, કેમ કે હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી એખલાસનું વાતાવરણ કદી ન સુધર્યું. ઑગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજો ગયા, પણ divide and rule ની કૂટનીતિ વારસામાં ભારતને આપતા ગયા. આપણા રાજકારણીઓએ તે વારસો વળી બખૂબી જાળવ્યો પણ ખરો. પરિણામે જાતિવાદ અને કોમવાદ ભારતના પોલિટિક્સ સાથે બહુ ગાઢ રીતે ગૂંથાઇ ગયા અને જે તે પાર્ટી વોટ બટોરવા માટે ધર્મ-સંપ્રદાયના મુદ્દાઓ પર મદાર રાખવા માંડી. આન્ધ્ર પ્રદેશમાં મુસ્લિમો માટે કરવામાં આવેલી અનામતની જોગવાઇ તેનું તાજું ઉદાહરણ છે. ભવિષ્યમાં આવા બીજા અનેક મુદ્દા પ્રકાશમાં આવવાના છે--અને એ દરેક મુદ્દો દેશની એકતા અને અખંડિતતામાં ઓર divide સર્જવાનો છે અને રાજકારણીઓના rule ને ઓર આસાન બનાવવાનો છે.

No comments:

Post a Comment