Saturday, December 31, 2011

ખાનગી ડેટાનો વેપલો કરતી social networking સાઇટ્સ

ખાનગી ડેટાનો વેપલો કરતી social networking સાઇટ્સ

ઇન્ટરનેટની facebook.com જેવી social networking વેબસાઇટ થકી મિત્રોસગાં સાથે સતત સંપર્કમાં રહેતા લોકો માટે વોર્નંગ સિગ્નલ જેવો એક અહેવાલ થોડા વખત પહેલાં અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ નામના અખબારમાં છપાયો. અહેવાલ મુજબ facebook તથા તેના જેવી બીજી social networking વેબસાઇટ્સ તેમના રજીસ્ટર્ડ યુઝર્સનો ખાનગી ડેટા જાહેરાત કંપનીઓને વેચીને તગડો નફો રળે છે. આ રીતે ચોરીછૂપી વેચવામાં આવતા ડેટામાં મુખ્યત્વે યુઝરનું પૂરૂં નામ-સરનામું, જન્મતારીખ, ઇ-મેલ, મોબાઇલ નંબર, ભણતરને લગતી વિગતો તેમજ અંગત જીવનને લગતી માહિતી હોય છે. આ માહિતીના આધારે ત્યાર બાદ જાહેરાત કંપનીઓ પોતાની જે તે ચીજવસ્તુઓની કે સેવાઓની જાહેરાત કરતા થોકબંધ ઇમેલ્સનો તથા મોબાઇલ એસ.એમ.એસ.નો મારો ચલાવવો શરૂ કરી દે છે.
ટૂંકમાં, વેબસાઇટ પર રજિસ્ટર થયેલા યુઝરનો ખાનગી ડેટા લગીરે ખાનગી રહેતો નથી. પ્રાયઇસી પોલિસીને લગતાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કોઇ પણ વેબસાઇટ પોતાના ગ્રાહકની મંજૂરી લીધા વિના તેનો પર્સનલ ડેટા કોઇ ત્રાહિત વ્યક્તિને કે કંપનીને આપી શકે નહિ. બીજી તરફ social networking વેબસાઇટ્સ તેમના કરોડો ગ્રાહકોના ડેટાનું જાહેરાત કંપનીઓને પાછલે બારણે વેચાણ કરી પ્રાઇવસી પોલિસીના ધોરણોનો ભંગ કરી રહી છે. આવી વેબસાઇટ્સ પર કડક કાયદાની લગામ નાખી શકાય એ માટે અમેરિકામાં હાલ કાર્યવાહીઓ થઇ રહી છે. દરમ્યાન facebook જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરનાર લોકોએ પોતાના ખાનગી ડેટાની લ્હાણી થતી અટકાવવા સારુ થોડા સજાગ બન્યા વિના આરો નથી. આ માટે ભરવા જેવાં કેટલાંક સૂચિત પગલાં


·                     વેબસાઇટના પ્રોફાઇલ પેજમાં પોતાની જન્મતારીખ લખવાનું બને ત્યાં સુધી ટાળો. વ્યક્તિની identity/ઓળખ તફડાવતા ગઠિયાઓ પાસે જન્મતારીખની વિગત આવી જાય તો તેના થકી તેઓ એ વ્યક્તિની અન્ય વિગતો (જેવી કે નામ-સરનામું) જાણી શકે છે અને ત્યાર બાદ તેના બૅંક અકાઉન્ટથી માંડીને ક્રેડિટ કાર્ડ સુધીની બધી માહિતી મેળવી શકે છે.
·                     ઘરનું પૂરૂં સરનામું, ટેલિફોન નંબર તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો પણ પ્રોફાઇલ પેજમાં ટાળી શકાય તેવી છે. અટક સહિત આખું નામ લખવાને બદલે માત્ર નામ લખો એ હિતાવહ છે.
·                     ઘણા લોકો પોતાના પરિવારને લગતી વિગતો બહુ સહજ રીતે facebook જેવી વેબસાઇટ્સ પર રજૂ કરી દેતા હોય છે. ઘણા પોતાની તસવીરો સુદ્ધાં સાઇટ પર મૂકતા હોય છે. આઇડેન્ટિટી થેફ્ટના કિસ્સા આવા કેસમાં વધી જવા પામે છે.
·                     બૅંક સાથે, વીમા કંપની સાથે તેમજ ક્રેડિટ કાર્ડ કંપની સાથે વ્યવહાર ચલાવવા માટે જે ઇ-મેલ વાપરો તે બને ત્યાં સુધી social networking સાઇટમાં ન વાપરો. આવી સાઇટ્સ માટે જુદું ઇ-મેલ અકાઉન્ટ બનાવો અને મિત્રો-સગાં સાથેનો સંદેશાવ્યવહાર તે ઇ-મેલ મારફત કરો.
·                     ઇમેલ તેમજ એસ.એમ.એસ. માર્કેટિંગના ઘોડાપૂરથી બચવું હોય તો બને ત્યાં સુધી પોતાના મોજશોખના તેમજ રસના વિષયો facebook જેવી વેબસાઇટ્સ પર જાહેર ન કરો.

એક અંદાજ મુજબ facebook.com વેબસાઇટ પર ૬૦ કરોડ લોકો રજીસ્ટર્ડ છે, જેઓ તે વેબસાઇટ થકી પોતાના મિત્રો કે સગાવહાલાં જોડે સંદેશાની આપ-લે કરે છે. જુદી રીતે કહો તો facebook.com પાસે જગતના ૬૦ કરોડ લોકોની ખાનગી વિગતોનો જબરજસ્ત ડેટાબેઝ છે, જેને તે જુદી જુદી માર્કેટિંગ કંપનીઓને અમુક રકમના સાટામાં વેચતી હોવાના સમાચાર બહાર આવ્યા છે. ઇન્ટરનેટના અને મોબાઇલ ફોનના વૈશ્વિક યુગમાં એક તરફ ઇ-મેલ, ઇ-કોમર્સ, એસ.એમ.એસ., ચેટિંગ વગેરે જેવી હંમેશાં હાથવગી રહેતી સુવિધાઓ છે, તો બીજી બાજુ વ્યક્તિની ઓળખ છિનવી લેતું આઇડેન્ટિટી થેફ્ટનું જબરજસ્ત મોટું સંકટ છે. આ સંકટથી બચવું કે પછી પોતાની ઓળખના ઢંઢેરા પીટી તેને વહોરી લેવું એ વ્યક્તિગત મામલો છે.

No comments:

Post a Comment