Saturday, December 31, 2011

પેટ્રોલનો ભાવવધારોઃ

પેટ્રોલનો ભાવવધારોઃ કોણ ખાટ્યું ને કોણ ખોટમાં ગયું?

પેટ્રોલના લીટરદીઠ ભાવમાં જ્યારે પણ વધારો આવે ત્યારે નફાખોરી કરવા બદલ ઓઇલ કંપનીઓની ટીકા કરવાનો આપણે ત્યાં ધારો પડી ગયો છે. ગયે મહિને પેટ્રોલમાં રૂા. ૫ નો ભાવવધારો આવ્યો ત્યારે એમ જ બન્યું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ વગેરે જેવી સરકારી કંપનીઓએ દિવસો સુધી મીડિયાના તીખા પ્રહારોનો સામનો કરવો પડ્યો. માન્યું કે પેટ્રોલ (તેમજ ડીઝલ) મોંઘું બને ત્યારે ઓઇલ કંપનીઓના વકરામાં બે પૈસાનો વધારો થાય છે, પણ બધો વકરો તેને મળતો નથી. સરકાર તેમાં અનેક રીતે ભાગ પડાવે છે.

પેટ્રોલના ભાવમાં રૂપિયા પાંચનો જે વધારો તાજેતરમાં આવ્યો તેને ધ્યાનમાં રાખી એક ગણતરી માંડીએ. દિલ્હીમાં હવે પેટ્રોલનો નવો ભાવ લીટરદીઠ રૂા.૬૩.૩૭ છે. આ રકમમાંથી રૂા.૧.૨ ઓઇલ કંપનીએ પેટ્રોલ પંપના ડીલરને કમિશનરૂપે ચૂકવવાના થાય છે. દિલ્હીની સરકાર પેટ્રોલ પર ૧૬.૩% કર વસૂલે છે, એટલે દર લીટરે રૂા.૧૦.૩ સરકારી તિજોરીમાં જાય છે. પેટ્રોલ પર કેંદ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી ૨૩.૩% છે, માટે ઓઇલ કંપનીએ પ્રતિલીટરે રૂા.૧૪.૮ ભૂલી જવા રહ્યા. બીજા રૂા.૨.૭ (૪.૩% લેખે) કસ્ટમ ડ્યૂટીના બાદ કરો, એટલે બાકી બચે રૂા.૩૪.૩ માત્ર ! ઓઇલ કંપની દિલ્હીમાં રૂા.૬૩.૩૭ ના ભાવે એક લીટર પેટ્રોલ વેચે ત્યારે તેના હાથમાં માંડ રૂા.૩૪.૩ (૫૪% રકમ) આવે છે. સ્વાભાવિક રીતે એ તેનો નફો નથી. આ વકરામાંથી ઉત્પાદનખર્ચ તેણે બાદ કરવો જોઇએ--અને તે ખર્ચમાં સૌથી મોટો ફાળો ક્રૂડ ઓઇલનો છે, જેની લીટરદીઠ કિંમત રૂા.૩૧ કરતાં ઓછી નથી. રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલનું નિસ્યંદન કરવું, દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ પહોંચતું કરવું, કારીગરોનો તેમજ કર્મચારીઓનો પગાર, વીજળીનું બિલ વગેરે બધું ગણતરીમાં લો તો ફાઇનલ હિસાબને અંતે ઓઇલ કંપની ૧ લીટર પેટ્રોલ વેચીને ખોટનો ધંધો કરે છે એમ કહેવું ખોટું નહિ. હિંદુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ પેટ્રોલના બિઝનેસમાં દર મહિને રૂા.૯૪૮ કરોડની ખોટ કરે છે. ટૂંકમાં, નફાખોરીની વાત તો ક્યાંય આવતી જ નથી.
હવે ડીઝલની વાત કરીએ. ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રમાં ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે, એટલે તે બળતણને સરકારે સસ્તું બનાવ્યું છે. જુદી રીતે કહો તો પેટ્રોલ પર તોતિંગ કરવેરા નાખીને ડીઝલનું વેચાણ આપણી સરકાર રાહત દરે કરી રહી છે. (દિલ્હીમાં ડીઝલનો લીટરદીઠ ભાવ રૂા.૩૭.૭૫ છે--અર્થાત્ પેટ્રોલ કરતાં લગભગ પચ્ચીસ રૂપિયા ઓછો !) ડીઝલ પર સબસિડી આપવા પાછળ સરકારનો એકમાત્ર હેતુ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું હિત જાળવવાનો છે, પરંતુ કેટલાંક વર્ષ થયે એ હેતુ પૂરેપૂરો બર આવી રહ્યો નથી. પેટ્રોલના અને ડીઝલના લીટરદીઠ ભાવના નોંધપાત્ર તફાવતને કારણે ભારતમાં ડીઝલચાલિત મોટરોનું વેચાણ ખાસ્સું વધ્યું છે. આવી મોટરોના માલિકો પોતાના વાહનમાં રાહત દરનું એટલે કે સબસિડાઇઝ્ડ ડીઝલ પૂરાવે છે. જુદી રીતે કહો તો એવી સબસિડીનો લાભ તેઓ ભોગવે છે કે જે વાસ્તવમાં તેમને મળવી ન જોઇએ. ડીઝલના વેચાણભાવ પર સરકારી રાહતનો વધુ એક દુરુપયોગ મોબાઇલ ફોન કંપનીઓ દ્વારા થઇ રહ્યો છે, જેઓ પોતાના મોબાઇલ ટાવરનાં વીજાણું ઉપકરણોને તેમજ એ ઉપકરણોને ઠંડાગાર રાખતાં એર કન્ડિશનર યંત્રોને કાર્યરત્ રાખવા માટે જનરેટરમાં દર વર્ષે કરોડો લીટર ડીઝલ બાળી નાખે છે. એક ગણતરી મુજબ ભારતના મોબાઇલ ઓપરેટરો વર્ષેદહાડે રૂા.૧૨,૬૦૦ કરોડનું ડીઝલ વાપરે છે. આ ડીઝલ રાહત દરનું હોય છે અને સરકારી તિજોરીમાં રૂા.૨,૬૦૦ કરોડનું ગાબડું પાડીને બજારમાં આવ્યું હોય છે.
ખરું પૂછો તો ગાબડું સરકારી તિજોરીમાં નહિ, પણ ઊંચા ભાવે પેટ્રોલ ખરીદનાર આમજનતાના ખિસ્સામાં પડ્યું ગણાય. કારણ એ કે મોંઘા પેટ્રોલની ખરીદી કરીને તેઓ સસ્તા ડીઝલને પોષવામાં પરોક્ષ ફાળો આપે છે. આ તો એવું થયું કે કોઇ માલેતુજાર પોતાની મર્સિડીઝ કારમાં સસ્તું ડીઝલ ભરાવી શકે એ માટે મધ્યમ વર્ગનો માણસ પોતાના સ્કૂટરમાં ઊંચી કિંમતનું પેટ્રોલ પૂરાવે ! આ પ્રકારની અસમાનતા યોગ્ય નથી. દેશની કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના હિતમાં સરકાર ડીઝલ પર સબસિડી આપે તેમાં કશું ખોટું નથી, પણ સબસિડીનો લાભ ત્યાર બાદ એ ક્ષેત્ર પૂરતો સીમિત રહેવો જોઇએ. આની તકેદારી સરકાર ક્યારે લેશે એ તો કોણ જાણે, પણ દરમ્યાન એક બેડ ન્યૂઝ જાણી લો : પેટ્રોલની કિંમતમાં નજીકના ભવિષ્યમાં રૂા.૫ નો વધારો તોળાઇ રહ્યો છે. અલબત્ત, શા માટે ? કદાચ ડીઝલ પર સબસિડીની ખાધ પૂરવા માટે !

No comments:

Post a Comment